નાલાયક! બદમાશ! હરામખોર! મારી દીકરીને ફોસલાવવાની પેરવી કરે છે? તારાં હાડકાં ભાંગી નાખીશ.’ કંચનલાલે ત્રાડ પાડી. ઘટના પણ ત્રાડ પાડવા જેવી જ બની હતી. સાંજ અને રાતના સંગમ સમયે ઘેરા થતાં જતાં અંધારાની ગોદમાં એમણે ઉન્મેશને પોતાની જુવાનજોધ, કુંવારી દીકરી ઉત્સવીની સાથે છાનગપતિયાં કરતાં જોઈ લીધો હતો.
ઉન્મેશ રસોડાની પાછલી બારી પાસે બહાર ઊભેલો હતો અને ઉત્સવી રસોડાની અંદર. ઉત્સવી તો ધગધગતા બોઇલર જેવા બની ગયેલા બાપને જોતાંવેંત ઘરમાં સંતાઈ ગઈ પણ ઉન્મેશ કેવી રીતે છટકે? ઘરમાં ઘૂસવા માટેના એક માત્ર વનવેની વચ્ચે જ કંચનલાલ નામનો કાતિલ ઊભો હતો.
‘અંકલ, સૉરી... પણ તમને કશીક ગેરસમજ થઈ ગઈ લાગે છે. હું તો... હું તો ઉત્સવીને સમય પૂછતો હતો. મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે ને... એટલે...’
‘તારી ઘડિયાળ બંધ નથી પડી, પણ ખોટકાઈ ગઈ છે, બદમાશ! બંધ પડેલી ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે. તારી ઘડિયાળમાં તો કાંટા જ ખરી પડ્યા છે, અને તું સમય પૂછતો હતો ને? તો સાંભળ, તારો સમય આજકાલ ખરાબ ચાલી રહ્યો છે. ગમે તે સમયે અસ્થિભંગનો યોગ છે.’ કંચનલાલેઆટલું બોલીને લાકડીની શોધમાં આમતેમનજર દોડાવી.
આ તકનો લાભ લઇને ઉન્મેશ ઝડપભેર એમની ડાબી બાજુએથી સરકી ગયો. એ સાથે જ, એ સમયે, એટલા વખત પૂરતો જંગ ખતમ થયો. ઉન્મેશ તો એકતરફી યુદ્ધવિરામ જાહેર કરીને પોતાના ઘરની અંદર ભરાઈ ગયો પણ કંચનલાલની સળગતી ભઠ્ઠીને ઓલવાતા થોડી વાર લાગી. ત્યાં સુધી એમના હાકોટા અને એમની ગાળોથી એમની માલિકીની ડહેલી કાંપતી રહી.
કંચનલાલ મકાનમાલિક હતા અને ઉન્મેશના પપ્પા ગરબડદાસ ભાડવાત. બાપદાદાના વખતનું વિશાળ મેડીબંધ મકાન હતું. વચ્ચે ખુલ્લો ચોક હતો. અડધામાં ગામ અને અડધામાં રામ. કંચનલાલના પરિવારને રહેતા વધે એટલી જગ્યામાં ઉપરનીચે મળીને ચાર ભાડવાતો હતા. એમાં છેક નીચે, પાછળના ભાગમાં વખાર જેવડી બે ખોલીઓમાં ગરીબ ગરબડદાસ રહેતા હતા. ઉન્મેશ એમનો જ દીકરો.
ઉન્મેશ ગ્રેજ્યુએટ હતો. સ્માર્ટ અને દેખાવડો હતો, પણ ગરીબીનાં વાદળ આડે ઢંકાઈ ગયેલો સૂર્ય હતો. નોકરી શોધતો હતો પણ મળતી નહોતી. છોકરી શોધવા જવાની જરૂર ન પડી. સામે બારણે જ મળી ગઈ. ઉત્સવીને પણ આ દિલફેંક જુવાનિયો ગમી ગયો. આ પ્રેમસંબંધ દુગ્ધશર્કરાયોગ જેવો ન હતો. આ તો રાજકુંવરી અને નિર્ધન વચ્ચેનો નાતો હતો. આનાથી એક જ વાત સાબિત થતી હતી કે પ્રેમ આંધળો છે!
એ રાત્રે કંચનલાલ જમીપરવારીને સામે ચાલીને ગરબડદાસની ખોલીમાં જઈ પહોંચ્યા. ગરબડદાસની ત્રિપુટી પાણીના ઘૂંટડા સાથે બાજરીનો રોટલો જમી રહી હતી. મકાનમાલિકને જોઇને પંગત ઊભી થઈ ગઈ. ગરબડદાસે ગરીબડું મોં કરીને આવકાર આપ્યો, ‘આવો, આવો શેઠ! અમારા ગરીબના આંગણે આપ જેવાનાં પગલાં ક્યાંથી? પધારો!’
‘હું તમારા નહીં, મારા જ ઘરમાં આવ્યો છું અને પધારવા નથી આવ્યો પણ ચેતવવા માટે આવ્યો છું. છેલ્લા ત્રણત્રણ મહિનાથી તમે ભાડું નથી ચૂકવ્યું. પંદર દિવસમાં મકાન ખાલી કરો, નહીંતર તમારા ઠીકરાને અને આ લફંગા દીકરાને ઉઠાવીને બહાર ફેંકાવી દઇશ.’
‘અરે, અરે શેઠજી! આ લબાચા ને ઠીકરાનું તો સમજ્યા, પણ મારા એકના એક સુપુત્ર માટે તમે આવું કાં બોલો?’
‘એ સુપુત્ર નહીં, પણ કુપુત્ર છે માટે આવું બોલવું પડે છે. ગરબડદાસ, તમારો આ દીકરો મારી દીકરીની સાથે ગરબડ કરવાની ફિરાકમાં છે. એને સમજાવી દેજો. ભિખારી થઇને મહેલનાં સપનાં જોવાનું બંધ કરે. નહીંતર પંદર દિ’માં જ ફૂટપાથ ઉપર લાવી દઇશ.’
ઉન્મેશ મનોમન ઘવાઈ ગયો. ઇચ્છા તો ઘણી થઈ આવી કે ભાવિ શ્વસુરજીને સામો જવાબ સંભળાવી દઉં પણ શું કરે? નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ. ખિસ્સાં જ્યારે ખાલી હોય ત્યારે છાતી છલોછલ રાખવાનું કોઈ યુવાનને નથી પરવડતું.
ગરબડદાસે કાન પકડ્યા, હાથ જોડ્યા, માથું ઢાળ્યું. માંડમાંડ કંચનલાલને ટાઢા પાડ્યા. ‘હવે પછી ઉન્મેશ તમારી ઉત્સવીની સામે નજર પણ કરે તો મને કહેજો. એ જ વખતે મકાન ખાલી કરી આપીશ’ એવું મૌખિક વચન આપ્યું.
પછી હળવેકથી વાત મૂકી, ‘શેઠજી, હમણાં હાથ જરા ખેંચમાં રહે છે. તમારુ ભાડું દૂધે ધોઇને ચૂકવી દઇશ, પણ એક વિનંતી છે. આ પાણિયારુ તૂટી ગયું છે. એને જરા રિપેર કરાવવું છે અને એની નીચેની મોરી પણ ઉભરાય છે. એટલો ભાગ જરા ખોદીને... એકાદ હજાર રૂપિયાનો ખર્ચ છે... તમારુ જ મકાન છે. તમે જો આર્થિક મદદ કરો તો...’
કંચનલાલ માંડ બરફ બન્યા હતા, એ પાછા ભભૂકતો અંગારો બની ગયા. ઊભા થઇને ચાલવા જ માંડ્યા. જતાંજતાં સંભળાવતા ગયા, ‘શું જમાનો આવ્યો છે! ભાડાંબાડાં ભરવા નથી અને મારા પૈસે સમારકામ કરાવવું છે! ત્રેવડ ન હોય તો પાણિયારાના શોખ શા માટે રાખો છો? મોરી ઉભરાય છે એના પાણીથી જ ચલાવી લો ને!’
ગરબડદાસે જાતે જ પાણિયારંુ અને ગટરલાઇનનું સમારકામ કરી લીધું. ઓજારો ઊછીના લઈ આવ્યાં. મજૂરીકામ બાપદીકરાએ મળીને ઉપાડી લીધું. ક્યાંક જૂનું મકાન તૂટતું હતું ત્યાંના કોન્ટ્રાક્ટરને કરગરીને પાણિયારા માટેનો લંબચોરસ પથ્થર માગી લાવ્યા. સિમેન્ટ તો ઉધારીમાં મળી ગયો. સમી સાંજે તોડફોડ શરૂ કરી. કોઈ જોઈ ન જાય એ માટે બારીબારણાં બંધ કરી દીધાં.
મોડી રાત સુધી જાગીને બધું પતાવી નાખ્યું. સવાર સુધીમાં તો પથ્થર એવો જામી ગયો કે એની ઉપર પાણી ભરેલું માટલું પણ મુકાઈ ગયું.
કંચનલાલ જાતે આવીને એક અછડતી નજર નાખી ગયા. સમારકામ જોઇને રાજી થયા. વગર ખર્ચે ઘર તો એમનું જ રિપેર થયું હતું ને? પણ વળતી જ ક્ષણે એમનો હરખ વરાળની જેમ ઊડી ગયો. દૂર ખૂણામાં આવેલી પાણીની ટાંકી આગળ ઉન્મેશ અને ઉત્સવી ઊભાં હતાં. અને એકમેકની આંખોમાં ઊંડે સુધી ઊતરવાની લગાતાર કોશિશમાં ડૂબેલાં હતાં.
કંચનલાલ આજે તો એમની વોકિંગ સ્ટીક લઇને જ આવેલા હતા. દબાતા પગલે ટાંકી સુધી જઇને લાકડીના ફટકા સબોસબ વીંઝી દીધા. ઉન્મેશ રાડ પાડી ગયો, ‘પણ તમે મને મારો છો શા માટે?’
‘એક તો ચોરી ને ઉપરથી પાછી સિનાજોરી? સા... ભિખારી, અત્યારે ને અત્યારે મારુ મકાન ખાલી કર. તારા બાપે મને વચન આપેલું કે...’
‘પણ તમે મારી વાત તો સાંભળો. હું અને ઉત્સવી એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ. અમે પરણવા માગીએ છીએ. તમને વાંધો ફક્ત અમારી આર્થિક હાલત સામે જ છે ને? તો હું તમને વચન આપું છું કે એકવાર અમારાં લગ્ન થઈ જવા દો. પછી હું કેટલા પૈસા કમાઉં છું એ તમને બતાવી આપીશ.’
‘વાહ, યે મૂંહ ઔર મસૂર કી દાલ? ભઇલા, એક કામ કર. તું લગ્ન પછી ધીરુભાઈ અંબાણી બનવાની ડંફાશો મારે છે એને બદલે લગ્ન પહેલાં જ થોડું ઘણું કમાઈ બતાવ. વધુ નહીં તો તારી માલિકીનું એક નાનકડું મકાન, ગાડી નહીં તો એક સેકન્ડહેન્ડ સાઇકલ અને એક લાખ કરોડની રિલાયન્સ કંપનીને બદલે એકાદ હજારની નોકરી! આટલું હશે તો પણ હું ના નહીં પાડું!’ કંચનલાલથી આવેશમાં બોલી જવાયું.
‘અંકલ, પ્રોમિસ?’
‘હા, હા! પ્રોમિસ! જા, રાણાપ્રતાપની પ્રતિજ્ઞા જેવું પ્રોમિસ. મારો બેટો ભિખારી! વાછૂટની ત્રેવડ નથી ને તોપખાનામાં ભરતી થવા નીકળ્યો છે!’
વાત અહીં પૂરી થઈ જવી જોઇતી હતી, પણ ન થઈ. એને બદલે હવે જ શરૂ થઈ. એક કલાકની અંદર જ ગરબડદાસ મકાન ખાલી કરી ગયા. ત્રણ દિવસ પછી શેઠ કંચનલાલની બરાબર સામેનું આલિશાન હવેલી જેવડું મકાન એમની માલિકીનું હતું. કંચનલાલની બિઝનેસ ઓફિસની સામે જ ઉન્મેશે આધુનિક ઓફિસ ઊભી કરી દીધી. પાંચમા દિવસે લક્ઝુરિયસ કારમાં બેસીને કીમતી વસ્ત્રોમાં હીરો જેવો શોભતો ઉન્મેશ કંચનલાલના ઘરે આવીને ઊભો રહ્યો, ‘તમારી દીકરીનો હાથ માગવા આવ્યો છું.’
કંચનલાલ વચનથી બંધાયેલા હતા. અને હવે તો ઉન્મેશના ઐશ્વર્યથી અંજાયેલા પણ! બંનેની જ્ઞાતિ પણ એક જ હતી. ના પાડવાનો સવાલ જ ક્યાં હતો? ધામધૂમથી લગ્ન ઊજવાઈ ગયાં. આગની ભઠ્ઠી જેવા કંચનલાલની ચાંદના ટુકડા જેવી કન્યા ઉન્મેશનો શયનખંડ અજવાળવા આવી પહોંચી. મધુરજનીની રાતે પહેલો સવાલ ઉત્સવીએ પૂછ્યો એ સ્વાભાવિક રીતે જ આ હતો, ‘ઉન્મેશ, આ બધું અચાનક ક્યાંથી? કેવી રીતે?’
ઉન્મેશ હસ્યો, ‘ખુદા દેતા હૈ તો છપ્પર... નહીં, નહીં, પથ્થર ફાડકે દેતા હૈ! આ બધું સમારકામ વખતે તારા ઘરમાં જે ખોદકામ કર્યું એમાંથી મળેલું છે. તારા બાપદાદાએ સોનામહોરોનો ચરુ દાટ્યો હશે અને વારસદારને કહેવાનું ભૂલી ગયા હશે. મારાં તો ભાગ્ય ખૂલી ગયાં. કંચન ને કામિની બેય મળી ગયાં!’
શીર્ષક પંક્તિ: વિજય શાહ
(સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં બની
ગયેલી સાચી ઘટના)
1 comment:
મહેનત કહો યા નશીબ કે સ્વપ્ન,
મ્હારા ભાગે તારુ રત્ન.
swa-likhit (Nilesh Shah, Chennai)
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ